સ્વામી ચિદાનંદ ગિરિ તરફથી ભારતમાંના ગુરુદેવના ભક્તો માટે પ્રેરણા અને પ્રાર્થનાની ખાતરીનો સંદેશ

24 એપ્રિલ, 2021

પ્રિયજનો,

આપણા પ્રિય ભારતમાં કોવિડ રોગચાળો તમારામાંથી ઘણા લોકોને અસર કરી રહ્યો છે તે જોતાં, હું તમને જણાવવા માંગુ છું કે, હું તમને મારી ગહનતમ પ્રાર્થનામાં સમાવિષ્ટ કરી રહ્યો છું. હું એવું મનોદર્શન કરી રહ્યો છું કે એક મહાન પ્રકાશ અને ઈશ્વરના આશીર્વાદ તમને આવરિત અને સુરક્ષિત કરી રહ્યા છે, તેમજ આપણા વૈશ્વિક પરિવારને આ પીડાદાયક ક્ષતિના અંત તરફ શીઘ્રતાથી લઇ જઇ રહ્યા છે.

આ મહામારી તમારા જીવન અને જનસમૂહમાં અનેક કઠિન પડકારો લાવી છે, એ જાણીને મારું હૃદય દ્રવિત થઇ જાય છે. પૃથ્વી પર આવી કસોટીઓ ઈશ્વર દ્વારા આપવામાં આવતી નથી, પરંતુ માનવસમાજમાં સ્વયં-સર્જિત અદૃશ્ય સામુહિક કર્મો દ્વારા આવે છે. અને તેમ છતાં, ઈશ્વરના પ્રિય બાળકો તરીકે, આપણે જો ઈશ્વર સાથે સામંજસ્ય જાળવી રાખીશું, તો ભલે ને ગમે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તો પણ આપણે હંમેશા તેના અદ્રશ્ય હાથ અને પ્રેમાળ હાજરીનો અનુભવ કરીશું. હું તમને આ સત્ય પ્રત્યે અડગ રહેવાનો આગ્રહ કરું છું, આંતરિક શાંતિ જાળવશો અને વિશ્વાસ રાખજો કે ઈશ્વરનો પ્રેમ અને શક્તિ આ કસોટીના કપરા કાળમાં આપણી કાળજી રાખશે, કારણકે તે આપણી સલામતીનું સૌથી મોટું આશ્રયસ્થાન છે—ભયસ્થાનથી અંતિમ સલામતી અને રોગનિવારણ તરફ લઇ જનારો આપણો શાશ્વત માર્ગદર્શક.

તમારી બાહ્ય સ્થિરતા અથવા સુખાકારીને પડકારતી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતી વખતે, હું તમને આગ્રહ કરું છું, કે કોઈપણ ભય અને અસુરક્ષિતતાનો સામનો આપણા સર્વશક્તિમાન પરમપિતા/જગન્માતા જે અત્યારે અહીં આપણી સાથે જ છે એવી ચેતના સાથે કરવો. ફરી ફરીને દ્રઢતાપૂર્વક ગુરુદેવ પરમહંસ યોગાનંદજીના શબ્દોનું પ્રતિજ્ઞાપન કરો: “હું ઈશ્વરના સાંનિધ્યના કિલ્લામાં છું. કોઈપણ ક્ષતિ મારી સમીપ આવી શકે નહિ, કારણકે જીવનની દરેક પરિસ્થિતિમાં—શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક—હું ઈશ્વરની ઉપસ્થિતિ ના દુર્ગમાં સુરક્ષિત છું.”

ધ્યાન એ આપણી સર્વોચ્ચ સુરક્ષા છે, અને આ કસોટીના કાળમાં આપણા આત્માને અપરાજિત અને અસ્પૃશ્ય રાખવાની સર્વોત્તમ ખાતરી છે. જેવા આપણે આપણા હૃદયોને ઈશ્વર પ્રતિ ખોલીએ છીએ—ભલેને માત્ર ક્ષણવાર, પણ અનેક વખત— આપણે તેના આરોગ્યદાયક પ્રેમ અને સ્થિર જ્ઞાન આપણા આંતરિક સામર્થ્યને પુનઃ ગઠિત કરી અને આપણી ચેતનાને ઉન્નત કરીને આપણા પ્રત્યેક સંશયો તેમજ અસુરક્ષિતતાઓને નિરસ્ત કરે છે અને આપણને શાંત કરી અને જાળવી રાખે છે, આ રીતે આપણે આપણી જાતને હિમ્મતથી ભરી દઈએ છીએ, અને અંતઃ પ્રેરણાત્મક દિશાનિર્દેશ દ્વારા આપણને યોગ્ય દિશા તરફ નિર્દેશિત કરી શકીએ છીએ, કે જે આપણી સમક્ષ આવતા સંજોગો અનુસાર યોગ્ય હોય.

ગુરુદેવ આપણને યોગ્ય અભિગમ આપે છે કે, જેના દ્વારા આપણે કોઈપણ વિટંબણાનો સામનો કરી શકીએ:

“નકારાત્મક પરિસ્થિતિની વચ્ચે હકારાત્મક અને રચનાત્મક માર્ગે વિચારી અને કાર્ય કરીને ‘વિપરીતતા’ નો અભ્યાસ કરો. તિતિક્ષાનો અભ્યાસ કરો, તેનો અર્થ એ નથી કે દુઃખદાયી અનુભવ કરવો પરંતુ માનસિક રીતે વ્યગ્ર થયા વિના, તેનો સામનો કરવો. જયારે બીમારી આવે, તમારા મનને અસ્વસ્થ કર્યા વિના, સ્વાસ્થ્યને લગતા નિયમોનું પાલન કરો. જે કંઈપણ તમે કરો તેમાં અનિયંત્રિત ન થાઓ.”

પ્રિયજનો, ખાતરી રાખો કે, આપણા ગુરુદેવના વાયએસએસ/એસઆરએફ આશ્રમના સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં, મારી સાથે ગહન પ્રાર્થનામાં છે અને આરોગ્યકારી પ્રકાશ અને પ્રોત્સાહક પ્રેમાળ વિચારો પ્રસારિત કરી રહ્યા છે. મહેરબાની કરીને અમારી પ્રાર્થનાઓમાં તમારી પ્રાર્થનાઓ સામેલ કરીને એવા લોકોને આરોગ્યકારી સ્પંદનો પ્રસારિત કરો જેમને ઈશ્વરના આશીર્વાદ અને કૃપાની આવશ્યકતા છે. એકબીજાને સહાયભૂત થઈને, આપણી આસપાસના લોકોમાં શાંતિનું ઉદાહરણ બનીને, સામર્થ્ય અને હિંમતના અનંત સ્રોત દ્વારા આપણી જાતને સંચારિત કરીને, આપણે સંયુક્ત રીતે આ કપરા કાળમાં વિજયી થઈને આપણો માર્ગ શોધી કાઢીશું.

ઈશ્વર અને ગુરુઓ તમને આશીર્વાદ આપે, માર્ગદર્શિત કરે, અને તમારું તથા તમારા પરિવારનું સંરક્ષણ કરે.

સ્વામી ચિદાનંદ ગિરિ

Share this on

વધારે વાય.એસ એસ બ્લોગમાંથી